રાષ્ટ્રપતિએ સાસણની લીધી મુલાકાત
દ્રૌપદી મુર્મુએ કર્યા સિંહ દર્શન
સિંહ પરિવારને જોઈને ખુશી વ્યક્ત કરી
સ્થાનિક મહિલાઓ સાથે પણ કર્યો વાર્તાલાપ
રાષ્ટ્રપતિએ મહિલાઓને આપી ભેટ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા.અને સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે,ત્યારે પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન બાદ તેઓ સાસણ પહોંચ્યા હતા,જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલા ભાલછેલ હેલીપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવકુમાર, વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ દ્રૌપદી મુર્મૂ સાસણ ગીર ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા. જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ સિંહ દર્શન માટે સફારી પાર્ક રવાના થયા હતા. આ દરમિયાન તેમની સાથે વન મંત્રી મુળુભાઈ બેરા પણ સિંહ દર્શન માટે રવાના થયા હતા. ભભા ફોલ નાકાથી રાષ્ટ્રપતિએ ખુલ્લી જીપ્સીમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્સ્યુરીના સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેમણે કૃદરતી વાતાવરણમાં એશિયાઇ સિંહોના દર્શન કર્યા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાસણ-ગીરના સ્થાનિક આદિવાસી સીદી સમાજની મહિલાઓ સાથે બેઠક યોજી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન, પરંપરાઓ અને પડકારો વિશે જાણકારી મેળવી હતી.