/connect-gujarat/media/post_banners/3d94b42a8eaa1d36ebb22faa740890f4adbe7be9a8f0375d3422f2b7892c7e66.jpg)
જુનાગઢ જિલ્લા એસઓજી પોલીસે કેશોદ નજીક એસટી. બસમાં મુસાફરી કરતાં મધ્યપ્રદેશના શખ્સની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે હથિયાર ઘુસાડતા ઈસમો પર તવાઈ બોલાવવા અને આવા ગેરકાયદેસર રીતે હથિયાર પહોંચાડતા ઇસમોને પકડી પાડવા જુનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતા દ્વારા સૂચના અપાતાં જુનાગઢ જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે હથિયાર સાથે એક પરપ્રાંતીય ઈસમને ઝડપી પાડ્યો છે. નડીયાદથી સોમનાથ તરફ જતી એસટી બસમાંથી મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના રામપુર ગામના કુલદીપ છોટેલાલ જાટબ નામના પરપ્રાંતીય શ્રમિકને દેશી બનાવટના 2 ગેરકાયદેસર હથીયાર અને કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગેરકાયદેસર આધાર પરવાના વગરનો તમંચો, રીવોલ્વર અને 2 નંગ જીવતા કાર્ટીસ મળી કુલ 25 હજારના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ પરપ્રાંતીય શખ્સ વિરુદ્ધ વંથલી પોલીસ મથકે ગુન્હો નોંધી હથિયાર કોની પાસેથી લાવ્યો, અને કોને આપવા જતો હતો. તે દિશામાં જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.