હિન્દુ ધર્મની લાગણી દુભાવતી ઘટના સામે આવી
ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ
રવિવારની વહેલી સવારે અજાણ્યા શખ્સોનું કૃત્ય
અજાણ્યા શખ્સો મૂર્તિ ખંડિત કરતાં ભક્તોમાં રોષ
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માંગ ઉઠી
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
જુનાગઢના ગરવા ગિરનાર પર્વત પર 5500 પગથિયા ઉપર ગોરક્ષનાથનું મંદિર આવેલું છે. જ્યાં રવિવારની વહેલી સવારે 3થી 4 વાગ્યાના અરસામાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગોરક્ષનાથ મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. મૂર્તિ તોડનાર અસામાજિક તત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ, જ્યારે ઘોંઘાટ થયો, ત્યારે અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4થી 5 લોકોને ભાગતા જોયા હતા. હાલ, ખંડિત મૂર્તિ મળી ગઈ છે. જોકે, કોણે અને કયા લોકોએ આ કૃત્ય કર્યું છે, તે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
પરંતુ, આ ઘટના બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તો બીજી તરફ, સમગ્ર ઘટનાથી ભાવિક ભક્તોમાં રોષ ભભુક્યો છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, મૂર્તિ ખંડિત કરનાર સામે અસામાજિક તત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરવામાં આવી છે.