Connect Gujarat
ગુજરાત

કપડવંજ: શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતા ભારે ગમગીની છવાઈ; અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

X

કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ કાશ્મીર ખાતે આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી અથડામણમાં શાહિદ થયા હતા.

કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી જતાં મા મોભની રક્ષા કાજે શહીદ થયા છે. ત્યારે આજરોજ કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાનનો પાર્થિવદેહ આજે વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. જવાનના અંતિમયાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી હતી. લગભગ 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી ચૂકી હતી. જ્યારે આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના પાર્થિવદેહને જ્યારે કપડવંજથી ગામડે લવાયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સાથે જ ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે દુઃખમાં સહભાગી બન્યા હતા.

સમાજના અગ્રણીઓ સહિત વણઝારીયા ગામના તમામ લોકો અને આસપાસના ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન હરીશસિંહની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. હાલમાં જવાનના ઘર બહાર હૈયા ફાટ આક્રંદ જોવા મળી રહ્યો છે. નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા.

Next Story
Share it