ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે આજરોજ મહેમદાવાદના સૂંઢા વણસોલ નજીક અમદાવાદ-વડોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં 6 જેટલા વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન રોડની સાઇડમાં પાર્ક કરેલ આઇસર ટેમ્પો સાથે કાર ધડાકાભેર ભટકાઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, 3 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકોમાં એક બાળક અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે 45 વર્ષીય સુષ્માબેન ચંદ્રકાંતભાઈ સુરતી, 20 વર્ષીય ક્રિષ્ના ચંદ્રકાંતભાઈ સુરતી અને 12 વર્ષીય ત્રિષા ચંદ્રકાંતભાઈ સુરતીને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના 3 સભ્યોનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.