Connect Gujarat
ગુજરાત

ખેડા : મલાતજ દર્શન કરવા જઈ રહેલ એક જ પરિવારના 4 સભ્યોનું અકસ્માતે કમકમાટીભર્યું મોત

ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિને કાળ ભરખી ગયો હતો

X

ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિને કાળ ભરખી ગયો હતો. એક જ પરિવારના સગાંસંબંધીઓ મંગળવાર ભરવા આણંદના મલાતજ ગામે આવેલ મેલડી માતાના મંદિરે જતા હતા, ત્યારે અકસ્માતની ઘટના સર્જાય હતી. સમગ્ર મામલે મહુધા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની અને એક જ પરિવારના 6 જેટલા સગાંસંબંધીઓ મંગળવાર ભરવા આણંદના મલાતજ ગામે આવેલા મેલડી માતાના મંદિરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન ગત મોડી રાત્રે ખેડા જિલ્લાના મહુધા પંથકના મંગળપુર પાટિયા નજીક તેઓની ઇકો કાર નં. GJ-17-AH-0158ને અકસ્માત નડ્યો હતો. સામેથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેલરે ટક્કર મારતાં ઈકો કાર ફંગોળાઈને રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી, ત્યારે અકસ્માતની ઘટનામાં સુરેશ ભોઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સંજય બારૈયા તથા રાજુ ભોઈ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંજય ભોઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સાથે જ કારચાલક જિતુ ભોઈ સહિત આકાશ દેવડાને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રેલરચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મહુધા પોલીસે કારચાલકની ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ વાતાવરણ ગમગીનીથી દ્રવી ઊઠ્યું હતું. જોકે, આ કાળનો કેવો સંયોગ સર્જાયો કહેવાય કે, મંગળવારના દિવસે મંગળવાર ભરવા જતા મંગળપુર પાટિયા નજીક અકસ્માતમાં એક જ પરિવારના સગાંસંબંધીઓના મોત નીપજ્યાં છે.

Next Story