ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે. રેલ્વેએ નવો ટ્રેક નાખવા માટે ખેતરોમાં મંજુરી વિના પ્રવેશ કરી પાકને નુકશાન પહોંચાડાયું હોવાના આક્ષેપ સાથે ખેડુતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
રાજયમાં જયાં જુઓ ત્યાં ખેડુતો પોતાની મહામુલી જમીનો બચાવવા માટે સરકાર સામે સંઘર્ષ કરતાં નજરે પડી રહયાં છે. નવા રસ્તાઓ તથા રેલ્વેટ્રેક બનાવવા માટે જમીનો સંપાદન કરવામાં આવી રહી છે પણ ખેડુતોની એક ફરિયાદ કાયમ રહી છે અને તે છે વળતરની.. ભરૂચ સહિત રાજયના અન્ય જિલ્લાના ખેડુતો આ બાબતે લડત ચલાવી રહયાં છે ત્યારે હવે ખેડાના વસો તાલુકાના ખેડુતોએ પણ રેલ્વે વિભાગ સામે બાંયો ચઢાવી છે. વસો તાલુકાના રૂણ ગામે રેલ્વે વિભાગે નવો ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરી છે. રેલ્વેની ટીમે ખેતરોમાંથી વૃક્ષો અને પાક દુર કરવાની કામગીરી શરૂ કરતાં ખેડુતો વિફર્યા હતાં અને જેસીબી સામે સુઇ ગયાં હતાં પણ ખેડુતોનું કઇ ચાલ્યું ન હતું અને ખેડુતોની નજર સામે જ તેમના મહામુલા પાકને નષ્ટ કરી દેવાયો હતો. ખેડુતોનું કહેવું છે કે આ વિસ્તારમાં જમીનની કિમંત એક વિંઘાના 15 થી 16 લાખ રૂપિયા છે જેની સામે રેલ્વે માત્ર 5 થી 6 લાખ રૂપિયાની ચુકવણી કરે છે.