Connect Gujarat
ગુજરાત

ખેડા : હરીયાળા પાટીયા નજીક 2 ટ્રકો વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકની કેબીનમાં ફસાયેલા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

બ્રિજ પર 2 ટ્રક સામસામે અથડાતાં બન્ને ટ્રકના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. ટ્રક અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો.

X

ખેડા જીલ્લાના હરીયાળા પાટીયા પાસે હાઈવે પર બે ટ્રકોને થયેલા અકસ્માતમાં બન્ને ટ્રકનો લોચો વળી ગયો હતો. પરંતુ આ બંન્ને ચાલકોનો જીવ બચી ગયો છે. તો વળી એક ટ્રક ચાલકને તો લગભગ 2 કલાકની જહેમત બાદ ટ્રકની કેબીનમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ખેડા તાલુકાના હરિયાળા પાટીયા પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ ગામના બ્રિજ પર 2 ટ્રક સામસામે અથડાતાં બન્ને ટ્રકના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. ટ્રક અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. ડ્રાઈવરના શરીરનો અડધો ભાગ કેબિનમાં ફસાઈ ગયો હતો. બન્ને ટ્રકના બ્રિજ પર અક્સ્માત થતાં જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા, અને ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કર્યા હતા. તો બીજી તરફ, બીજી બાજુ અક્સ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં અને ખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.

સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા દોરડા વડે ટ્રકના આગળના ભાગને ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લગભગ 2 કલાકની જહેમત બાદ ફસાયેલ ટ્રક ડ્રાઈવરને ટ્રકમાંથી રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવરને તાત્કાલિક 108 દ્વારા ખેડાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, અક્સમાતના પગલે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Next Story