ખેડા : ડાકોરમાં જગતના નાથની નીકળી રથયાત્રા, દર વર્ષ કરતાં જોવા મળ્યો અલગ માહોલ

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અષાઢી બીજના આગળના દિવસે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી

New Update
ખેડા : ડાકોરમાં જગતના નાથની નીકળી રથયાત્રા, દર વર્ષ કરતાં જોવા મળ્યો અલગ માહોલ

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અષાઢી બીજના આગળના દિવસે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકારે રથયાત્રાને શરતી મંજુરી આપી હોવાથી અલગ જ માહોલ જોવા મળ્યો હતો.

રણછોડરાયના ધામ ડાકોરમાં લાખોની જનમેદની વચ્ચે યોજાતી રથયાત્રા આ વર્ષે જુજ શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી હતી. દર વર્ષે રથયાત્રાના નગર ભ્રમણમાં સાત કલાકનો સમય લાગતો હતો પણ આ વર્ષે બે કલાકમાં જ રથયાત્રા પુર્ણ કરી દેવામાં આવી હતી. જાંબુ, ફણગાયેલા મગ સહિતના પ્રસાદ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રણછોડજી મંદિરમાં રાજા રણછોડની મંગળા આરતી બાદ નિત્યક્રમ પ્રમાણે બંધ બારણે સેવા પૂજા કર્યા બાદ શ્રીજીનું અધીવાસન કરવામાં આવ્યું હતું.શ્રીજી મહારાજને બિરાજમાન કરાવી ચાંદીના રથમાં મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા ત્યાર બાદ ભંડારી બાબાની ગાદી પર શ્રીજીને લઈ જઈ પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. સરકારના આદેશને અનુસરી રથયાત્રામાં જુજ સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં જયારે લાખો લોકોએ ઘરે બેઠા રણછોડજીના દર્શન કર્યા હતાં. ડાકોરના વેપારીઓએ પણ રથયાત્રાના રૂટ પર સજ્જડ બંધ પાડી પોલીસ અને પ્રશાસનને સહકાર આપ્યો હતો. નગરચર્યા બાદ ભગવાન નીજ મંદિરમાં પધાર્યા હતા. આ સમયે ડાકોરના ઠાકોર રણછોડજીનીપરંપરાગત કપૂર કંકુની આરતી કરી નજર ઉતારવામાં આવી હતી.

Latest Stories