Connect Gujarat
ગુજરાત

કચ્છ : પાકિસ્તાનને ભારે પડી હતી માધાપરની વીરાંગનાઓ, એક જ રાતમાં દુશ્મનના દાંત ખાટા કર્યા

X

વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું. આ વીરતા પર "ભુજ" ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ બની છે, જે હાલમાં ઘણી લોકપ્રિય થઈ છે.

વર્ષ 1971ના યુદ્ધની જો વાત કરીએ તો, કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામની મહિલાઓએ પાકિસ્તાનના બોમ્બમારાની વચ્ચે રાતોરાત ભુજ એરપોર્ટ પર રન-વે બનાવ્યો હતો. જે બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની સેનાનો ખાત્મો બોલાવ્યો હતો. ભુજમાં એરસ્ટ્રિપ તૈયાર કરનારી માધાપરની વિરાંગનાઓ સાઇરન વાગતાં જ સૈનિકોની જેમ બંકરમાં છુપાઈ જતી હતી. 6 જેટલા પૂલિયાને પણ ગાય-ભેંસના છાણ દ્વારા લીંપણ કર્યું હતું. જેથી દુશ્મનના વિમાનો હુમલો ન કરી શકે કારણ કે, 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળી પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો હતો. જેથી આ વિરાંગનાઓની સાચી કહાની "ભુજ" ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ 1971ના 50 વર્ષે એટલે કે, આજે 13 ઓગસ્ટના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. અદુભૂત શૌર્યગાથાના 50 વર્ષે પણ એજ જુસ્સો અને હિંમત આજે પણ વિરાગનાઓમાં જોવા મળી રહ્યો છે. માધાપર ગામે વીરાંગના સ્મારક પણ આવેલુ છે.

ક્ચ્છ સરહદે વર્ષ 1971માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા 90થી વધુ બોંબ યુદ્ધ જહાજ દ્વારા ફેંકાતા 73 બોંબ ટાર્ગેટ થયા હતા. જેના કારણે સરહદી કચ્છ જિલ્લાની એક માત્ર એરસ્ટ્રીપ નષ્ટ થઈ ગઈ હતી. યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યું હતું. આ માટે રન-વે પૂર્વવત કરવો અતિ આવશ્યક હતો. તત્કાલીન કચ્છ કલેક્ટરની એરસ્ટ્રીપ પૂર્વવત માટેની અપીલના પગલે માધાપરની શસ્ત્ર વગરની 300 જેટલી સાહસી મહિલાઓએ પુરા જોમ સાથે યુદ્ધમાં શ્રમદાન માટે સહભાગી બની હતી. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું સતત હુમલાઓનો ભય અને બીજી તરફ બને એટલી જલ્દી એરસ્ટ્રીપનું નિર્માણકાર્ય ચાલતું હતું, ત્યારે કચ્છની મહિલાઓ ડરી જાય એમ નહોતી, રાત દિવસ સતત 72 કલાક સુધી મહેનત કરીને યુદ્ધની સાયરનો વચ્ચે એરપોર્ટને વિમાન ઉતરાણ કરી શકે તે માટે રન-વે તૈયાર કરી બતાવ્યો હતો.

ભુજના એરપોર્ટનો રન-વે નષ્ટ થતા સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે ઘટનાને 50 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. સતત 3 દિવસ સુધી કામગીરી કરી ભુજ એરપોર્ટનો રન-વે તૈયાર કરાયો હતો. જેના ફળસ્વરૂપે 1971ના યુદ્ધમાં ભારતનો પાકિસ્તાન સામે ઝળહળતો વિજય થયો હતો, ત્યારે માધાપરની મહિલાઓના આ વતન પ્રેમના સાહસને કાયમી સંભારણું બનાવવા પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર અને માધાપર ગામ નજીક વીરાંગના સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. જેમાં સ્ટીલના પ્લેન અને કાસ્યની પ્રતિમાઓ સાથે યુદ્ધ સમયની ઝાંખી રજૂ કરવામાં આવી છે. એરસ્ટ્રીપ બનાવવામાં ભાગ લેનાર 322 મહિલાઓમાંથી હાલ 47 વીરાંગનાઓ હયાત છે. જેમાં 23 જેટલી બહેનો સંપૂર્ણ સ્વસ્થ છે. તેમાંની મોટા ભાગની મહિલાઓ માધાપરમાં જ રહે છે. જેથી ખૂબ જ ગૌરવની વાત સાથે આજે કચ્છવાસીઓ તે દિવસને યાદ કરીને ગર્વ અનુભવી રહ્યા છે.

Next Story