કચ્છ : ઘરમાં ઊંઘતી 2 બહેનોને ઝેરી સાપ કરડતાં મોત, 2 દીકરીના મોતથી પંથકમાં અરેરાટી...
અબડાસા તાલુકાના નાના એવા લાખનિયા જતવાંઢ ખાતે 15 વર્ષીય રજીના અને 12 વર્ષીય અફસાના પોતાના નળિયાવાળા ઘરમાં ઊંઘતી હતી

કચ્છના સરહદી અબડાસા તાલુકાના લાખનિયા જતવાંઢ ખાતે ઘરમાં ઊંઘતી 2 બહેનોને ઝેરી સાપ કરડી જતા બન્ને બહેનોના મોત નીપજ્યાં હોવાની ઘટના બનતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અબડાસા તાલુકાના નાના એવા લાખનિયા જતવાંઢ ખાતે 15 વર્ષીય રજીના અને 12 વર્ષીય અફસાના પોતાના નળિયાવાળા ઘરમાં ઊંઘતી હતી, ત્યારે રાત્રીના અરસામાં સાપે નિંદ્રાધીન બન્ને બહેના શરીરે દંશ માર્યો હતો. સાપના કરડવાથી બન્ને બહેનોએ પીડાથી બુમાબુમ કરી મૂકી હતી. જેને લઈ સફાળા જાગીને આવેલા પરિવારના સભ્યોએ સાપને દૂર ફગાવી બન્ને દીકરીઓને સ્થાનિક લોકોની મદદ વડે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી, જ્યાં ફરજ પરના હાજર તબીબે એક પુત્રીને મૃત જાહેર કરી હતી, જ્યારે બીજી પુત્રીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 108 મારફતે રીફર કરી હતી. જ્યાં મોથાડા નજીક રસ્તામાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. 2 પુત્રીઓના મોતથી નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.