કચ્છ જીલ્લામાં બિપરજોય વાવાઝોડાની ઘાત સામે બાથ ભીડવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે, ત્યારે વાવાઝોડાના પગલે 26થી વધુ અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમ સલામતીનું બીજું સરનામું સાબિત થયા છે.
બિપરજોય વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તથા આશ્રય સ્થાનો પર પહોંચેલા લોકો માટે સગવડતાનું સંપૂર્ણ આયોજન કરાયું છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્રએ દરીયાઇ પટ્ટીના ગામોના નાગરીકોનું 100 ટકા સ્થળાંતર કરાવી લીધું છે. વર્તમાન સ્થિતિએ કચ્છમાં 187 શેલ્ટર હોમમાં 26 હજારથી વધુ અસરગ્રસ્તોએ આશરો લીધો છે. જેની સલામતી તથા સુખ-સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના સહયોગથી જડબેસલાક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રાથમિક સુવિધામાં પૈકી શુધ્ધ પાણી, શૌચાલય, દવા, ચા-નાસ્તા, સુકા નાસ્તાના ફુડ પેકેટ, 2 ટાઇમ ગરમ ભોજનની વ્યવસ્થા, લોકોની સુરક્ષા માટે 24 કલાક પોલીસ બંદોબસ્ત, મેડીકલ ટીમની તૈનાતી, જનરેટર સેટ, ઇન્વર્ટર બલ્બ, હેન્ડ ટોર્ચ સહિતની સુવિધા ઉપરાંત મોનીટરીંગ માટે ગામના સરપંચ, આગેવાનો તથા અધિકારીઓ સતત ઉપસ્થિત રહે છે.