Connect Gujarat
ગુજરાત

કચ્છ: BSFની અતિ ગુપ્ત માહિતી મોબાઈલથી દુશ્મન દેશને મોકલતા કાશ્મીરી જવાનની ધરપકડ

X

ભારત - પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે, કચ્છ સીમાની જાસૂસી કરતા બીએસએફના કોન્સ્ટેબલને ગુજરાત ATSની ટીમે ઝડપી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે.ગાંધીધામની બટાલિયનમાં ફરજ બજાવતો કાશ્મીરી જવાન સીમાની જાસૂસી કરી દુશમન દેશને આપતો હતો અને આ બદલે રૂપિયા મેળવતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે

એટીએસ દ્વારા ભુજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કચેરીએ સતાવાર માહિતી આપવામાં આવી હતી.જેમાં જણાવાયું કે,ભુજ બીએસએફ સ્ટેશનના હેડ ક્વાર્ટરમાંથી આ ગદાર બીએસએફનો કોન્સ્ટેબલ ઝડપાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ એટીએસના અધિકારીઓને આધારભૂત સુત્રો પાસેથી મળેલી બાતમીને આધારે સજ્જાદ મોહમ્મદ ઈમ્તીયાઝની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સરૂલામાં રહેતો અને હાલ ગાંધીધામની બીએસએફ બટાલિયન 74 એ કંપનમાં ફરજ બજાવે છે. જે બીએસએફની ગુપ્ત માહિતી પોતાના મોબાઈલમાં વોટ્સએપ મારફતે દુશ્મન દેશમાં મોકલતો હતો. અને તેના બદલામાં રૂપિયા મેળવીને દેશ વિરોધી પ્રવૃતિ આચરતો હતો. સજ્જાદ ગુપ્ત માહિતી બદલ તેના ભાઈ વાજીદ તેમજ તેની સાથે નોકરી કરતા મિત્ર ઈકબાન રસીદના ખાતામાં નાણા જમા કરાવીને મેળવતો હતો. ત્યારે એટીએસના અધિકારીઓએ આજે ભુજ બીએસએફ હેડ ક્વાટરમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઈલ તેમજ વધારાના બે સીમકાર્ડ મળી આવ્યા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં રહેતો આ જવાન બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છના ગાંધીધામમા આવ્યો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓની તેના પર નજર હતી, અને તે અંગે ગુજરાત એટીએસને પણ જાણ કરવામાં આવી હતી. આ કાશ્મીરી યુવાન સાતેક વર્ષ પહેલા જ બીએસએફમાં ભરતી થયો હતો. ત્યારે તેની ધરપકડ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. આ કાર્યવાહીમાં એટીએસના એસપી ઈમ્તીયાઝ શેખ, નાયબ પોલીસ અધિક્ષક બલવંતસિંહ ચાવડા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Next Story