ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે. તો વધુ એક અસરગ્રસ્તનું SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો પોલીસે આ મામલે 15 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.
ગુજરાતમાં દારૂબંધી છે એ બધાને ખબર છે. પરંતુ રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ મળે છે, દેશી હોય કે ઈંગ્લિશ બુટલેગરો ઘર સુધી દારૂની ડિલીવરી આપે છે. પણ આ બધું કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે એ પણ તમે જાણતા જ હશો. પરંતુ આ રહેમનજર આજે બોટાદના લઠ્ઠાકાંડમાં કેટલાંક પરિવાર માટે જિંદગીભરની સજા બની ગઈ છે.બોટાદના બરવાળા લઠ્ઠાકાંડે અનેક પરિવારો બરબાદ કરી દીધા છે. તેનું કારણ છે કે આ ઝેરી દારૂએ કોઇના પતિ છીનવી લીધા, તો કોઇનો દીકરો છીનવી લીધો. એમ અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ભાવનગરમાં કુલ 88 દર્દીઓને સારવાર માટે લવાયા છે જેમાંથી 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલમાં 73 દર્દીઓ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 7 દર્દીની હાલત અત્યંત ગંભીર છે. તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓ સારવાર હેઠળ છે. બરવાળા લઠ્ઠાકાંડમાં તપાસનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે તો લઠ્ઠાકાંડની હચમચી ગયેલ સરકારે પણ તાત્કાલિક એક્શન ના આદેશ આપ્યા છે.