Connect Gujarat
ગુજરાત

લમ્પિ વાયરસનો "કહેર" : ગુજરાતના 20 જિલ્લામાં ફેલાયો છે લમ્પિ વાયરસ, 54,161 પશુઓ અસરગ્રસ્ત

રાજ્યમાં લમ્પિ વાયરસને રોકવા માટે કુલ 8.17 લાખ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. લમ્પિ વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.

લમ્પિ વાયરસનો કહેર : ગુજરાતના 20 જિલ્લામાં ફેલાયો છે લમ્પિ વાયરસ, 54,161 પશુઓ અસરગ્રસ્ત
X

સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી માત્ર 14 જિલ્લામાં આ વાયરસ ફેલાયો હતો, જે હવે વધીને 20 જિલ્લા સુધી પહોંચ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. લમ્પિ વાયરસના કારણે રાજ્યમાં 54,161 પશુઓ અસરગ્રસ્ત થયા છે. સાથે જ આ વાયરસના કારણે 1,431 જેટલા પશુઓ મોતને ભેટ્યા છે.

રાજ્યમાં લમ્પિ વાયરસને રોકવા માટે કુલ 8.17 લાખ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. લમ્પિ વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે. કચ્છ જિલ્લામાં 37,414 પશુઓ અસરગ્રસ્ત થયા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પશુઓમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના 497 પશુઓમાં લમ્પિ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, ત્યારે જિલ્લાના 66 ગામડાઓમાં લમ્પિ વાયરસના કેસ નોંધાયા અને રાણપુરમાં એક પશુનું મૃત્યુ પણ થયું છે.

જોકે, લમ્પિ વાયરસની દહેશત વચ્ચે 21,865 પશુમાં રસીકરણ પણ કરાયું છે. હાલ જિલ્લામાં પશુપાલન વિભાગની 10 ટીમો કાર્યરત થઇ ગઇ છે. લમ્પિ વાયરસે ઉત્તર ગુજરાતને પણ ભરડામાં લીધું છે. ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ લમ્પિ વાયરસના કારણે ચિંતામાં મુકાયા છે. જો લમ્પિ વાયરસ ઉત્તર ગુજરાતમાં વધુ પ્રસર્યો તો હજારો પરિવારોની રોજી-રોટી જોખમમાં મુકાશે. એમાંય ખાસ કરીને બનાસકાંઠાને લમ્પિ વાયરસે ભરડામાં લીધું છે. જેને લઈને રાજ્યના સૌથી મોટા પશુપાલન જિલ્લાના પશુપાલકો ચિંતામાં મુકાયા છે. જોકે, જિલ્લામાં લમ્પિ વાયરસનું પ્રમાણ ગાયોમાં ફેલાયું છે, ત્યારે બનાસકાંઠામાં અત્યાર સુધી 1200 પશુઓને લમ્પિ વાયરસની અસર થઈ છે, અને 65 જેટલા પશુ મોતને ભેટ્યા છે.

Next Story