Connect Gujarat
ગુજરાત

મહીસાગર : લુણાવાડા APMCમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી, રૂ. 88 વધુ મળતા ખેડૂતોમાં ખુશી

ઓનલાઇન રજિસ્‍ટ્રેશન થયેલ ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

X

મહીસાગર જિલ્લાના લુણાવાડા APMC માર્કેટ ખાતે 4576 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. ત્યારે ઓનલાઇન રજિસ્‍ટ્રેશન થયેલ ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્‍પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષે ડાંગરની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્‍લામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદીનો લાભ પાંચમના દિવસથી તમામ તાલુકાના APMC ખાતે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ અગાઉ જે ખેડૂતો ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા માંગતા હોય, ત્યારે તેમના માટે ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓનલાઇન રજિસ્‍ટ્રેશન અંતર્ગત મહીસાગર જિલ્લાના 6 તાલુકા પૈકી લુણાવાડા તાલુકાના 1891 ખેડૂતો, સંતરામપુર તાલુકાના 986 ખેડૂતો, કડાણા તાલુકાના 701 ખેડૂતો, ખાનપુર તાલુકાના 474 ખેડૂતો, બાલાસિનોર તાલુકાના 289 ખેડૂતો તેમજ વિરપુર તાલુકાના 235 ખેડૂતો મળી કુલ 4576 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ બજારમાં ચાલી રહેલા ડાંગરના 20 કિલોના ૩૦૦ રૂપિયાની સરખામણીમાં રાજ્ય સરકાર દ્વારા 388 રૂપિયે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. આમ, 20 કિલો ડાંગરના બજાર ભાવ કરતા 88 રૂપિયા વધુ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.

Next Story