સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય
અંબાજી તેમજ ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મેળો ભરાયો
અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ
ખેડબ્રહ્મા અંબાજી મંદિરે પોલીસ દ્વારા ધ્વજારોહણ કરાયું
મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરી ધન્ય થયા
સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માઁ અંબાના મંદિરે ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાના મંદિરે ધજા ચડાવાની પરંપરા રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસની ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. આ સાથે જ જિલ્લા માહિતી કચેરી-પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા, એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિતના પત્રકારો ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ લીધા હતા.
તો બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં આવેલું વિશ્વ વિખ્યાત મંદિર માઁ અંબાના પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના દિવસે દર વર્ષે મોટો મેળો ભરાય છે, જ્યાં હજારો માઈભક્તો પગપાળા યાત્રા યોજી અંબાના ચરણે શિશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. દર વર્ષે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ધ્વજા રોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી પગપાળા માઁ અંબાજી મંદિર સુધી વાજતે ગાજતે ડીજેના તાલે ધ્વજાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પી.આઈ. ડી.આર.પઢેરીયા અને પીએસઆઇ એ.વી.જોશી સહિતના પોલીસકર્મીઓએ માઁ અંબાજીના મંદિરે ધ્વજા રોહણ કર્યું હતું. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રતનકવર ગઢવીચારણ, એસ.પી વિજય પટેલ, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓએ પણ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.