Connect Gujarat
ગુજરાત

સતત 5મા દિવસે પણ મેઘરાજા મહેરબાન, રાજ્યભરના અનેક વિસ્તારોમાં વરસતો વરસાદ...

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 3 દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે

X

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 3 દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જ્યારે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી રાજ્યભરના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વિવિધ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિ દરમિયાન રાત્રે 8થી સવારના 8 વાગ્યા સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે, વરસાદ આવતા જ હવે સુરત પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી છતી થાય તો નવાઈ નહીં. આ સાથે જ ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ સહિતના અનેક તાલુકાઓમાં વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ, મહિસાગર જિલ્લામાં પણ ગત મધરાતથી જ વહેલી સવાર સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અસહ્ય ગરમી બાદ મેઘરાજાની પધરામણી થતાં હાલ જિલ્લાવાસીઓમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે મહીસાગર જીલ્લામાં મેઘરાજાનું વહેલું આગમન થતાં તૈયાર થયેલ પાકને નુકશાન જવાની ધરતીપુત્રોમાં ભીતિ સેવાઇ રહી છે.

હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમરેલી જિલ્લામાં પણ છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાવરકુંડલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અમરેલીના અનેક ગામોમાં રોડ-રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ સાથે જ સારો વરસાદ વરસતા ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં જોતરાય ગયા છે.

Next Story