Connect Gujarat
ગુજરાત

જન્માષ્ટમી બાદ રાજ્યમાં થશે મેઘરાજાનું પુનરાગમન; હવામાન વિભાગે કરી આગાહી

ચોમાસું શરૂ થયાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

જન્માષ્ટમી બાદ રાજ્યમાં થશે મેઘરાજાનું પુનરાગમન; હવામાન વિભાગે કરી આગાહી
X

હવામાન વિભાગે ચોમાસાની શરૂઆત પહેલા કરેલી સામાન્ય ચોમાસાની આગાહી હાલ ખોટી પડતી જણાય છે. ચોમાસું શરૂ થયાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ દરમિયાન ગુજરાતમાં જન્માષ્ટમી બાદ મેઘરાજાનું પુનરાગમન થાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 1-2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 1 સપ્ટેમ્બરના દાહોદ-છોટા ઉદેપુર-વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલીમાં જ્યારે 2 સપ્ટેમ્બરના વલસાડ-નવસારી-ડાંગ-તાપી-દમણ-અમરેલી-ગીર સોમનાથ-દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 36 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો થયો હતો.

આગામી 1 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં હાલ વરસાદની 60% ઘટ છે. સમગ્ર રાજ્યમાં જૂનમાં 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ જ્યારે ઓગસ્ટમાં હજુ સુધી માત્ર 2.12 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ઓણસાલ વરસાદ ખેંચાઈ જતાં આગામી વર્ષ દરમિયાન પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંચાઈ માટે પાણી ફાળવવા પર બ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યારે સિંચાઈ માટે પાણી આપવા પર બ્રેક લગાવીને પીવા માટે પૂરતું પાણી રહે તે માટે તેનો સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સરેરાશ માંડ 42 ટકાની આસપાસ જ વરસાદ પડયો છે. ગયા વર્ષની તુલનાએ સરેરાશ 21 ઇંચ ઓછો વરસાદ પડયો છે. તેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સંભાવના નિર્માણ થઈ છે. તેથી સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન તો કર્યું હતું,

પરંતુ ફરી એકવાર વરસાદ ખેંચાઈ જતાં સરકારે સિંચાઈના પાણીના પુરવઠા પર પણ બ્રેક લગાવી છે. સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે હાલના સંજોગોમાં સિંચાઈ માટે પાણી છોડી શકાશે જ નહિ. અત્યારે નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનું ચાલુ જ છે. પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા પહેલા કરવી જરૂરી છે. તેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

જોકે સરકારે પણ વરસાદ આવવાની આશાનો દોર પકડી રાખ્યો છે. પીવાનો પાણીનો પૂરતો જથ્થો જમા થઈ ગયા પછી જ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે, એમ સરકારનું કહેવું છે. કૃષિ મંત્રી આર.સી. ફળદુનું કહેવું છે કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 15 દિવસથી પાણી છોડી રહ્યા છીએ. પીવાનું પાણી રિઝર્વ રાખને પચી ખેડૂતોને પાણીનો પુરવઠો આપવામાં આવશે.

Next Story