મહેસાણા જિલ્લાના નાના એવા ગામ રાવળાપુરાના ખેડૂતે પોતાના પુત્રને ઉચ્ચતર અભ્યાસ અપાવવા માટે પોતાની જમીન ગીરવે મૂકી હતી, ત્યારે આજે આજે આ ખેડૂત પુત્રએ 85 ટકા સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં 8 ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજોને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 125 ઘર અને 1400ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા ખેડૂત લવજી ચૌધરી અને તેમના પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલંત કારકિર્દી પ્રાપ્ત કરે તેવાં સપના જોયા હતા. નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. વિસનગર ખાતેની સહજાનંદ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં 94% મેળવી નિસર્ગે અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ કરી વર્ષ-2020માં બીકોમની ડીગ્રી પણ મેળવી હતી. અમદાવાદમાં ભણાવવાનો ખર્ચ એક સામાન્ય ખેડૂતની ઓછી આવકના કારણે પરવડે તેમ ન હતો. નિરમા કોલેજમાં એમબીએનું મળેલું એડમિશન તેણે જતું કર્યું હતું. કારણ કે, તેની નજર આઈઆઈએમ તરફ હતી.
જોકે, ખેડૂત પિતા પાસે આર્થિક સગવડ નહિ હોવાથી નિસર્ગ ચૌધરીએ લોકડાઉનમાં ઘરે બેસીને જ જાતે મહેનત કરી એકવાર નાપાસ થયા પછી હિંમત હાર્યા વિના 85 ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં 8 ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજોને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો. કોમર્સની ડિગ્રી, એમબીએમાં અભ્યાસ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળ થવા નાણાંકીય વ્યવસ્થા થાય તેટલી પરિવારની આવક ન હતી. પુત્રની કારકિર્દીનું ઘડતર કરવા માટે નાણાંની ખેંચ બાધારૂપ ન બને તે માટે ખેડૂત પિતાએ પોતાની 2 એકર જમીન તારણમાં મુકી દીધી હતી, જ્યારે નાણાં ખૂટી પડતાં શૈક્ષણિક લોન પણ મેળવી હતી. પુત્રને ભણાવવા પૈસાની ખેંચ બાધક ન બને તે માટે તેમણે પશુપાલનનો પુરક વ્યવસાય પણ અપનાવ્યો હતો.