/connect-gujarat/media/media_files/2025/03/10/KSEnwaDV8e5BLRLJYm6e.jpg)
ગુજરાતમાં હૈયું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિના નામે હત્યા કરી દીધી છે. ભૂવો આટલેથી ન અટકતાં અન્ય એક બાળકની બલી ચઢાવવા લઈ જતો હતો, ત્યારે ગ્રામજનોએ આ ભૂવાને જોઈ જતાં તાત્કાલિક પોલીસને ફોન કરી ભૂવાને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલી ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલા મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાખી તેની હત્યા કરી દીધી હતી.
જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલી માટે પોતાના ઘરની સામે રહેતા એક અન્ય બાળકને લઈ જઈ બલી ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો.
હાલ પોલીસે આ લાલુ તડવી નામના ભૂવાની ધરપકડ કરી છે. ભૂવા સામે હાલ હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનો આ ઘટના બાદ ભય અને રોષમાં છે. લોકો પોતાના બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.