ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર કેવડીયા ખાતેથી આવ્યા છે. ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
ગુજરાત ભરમાં ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની માગ ઉઠી છે અને નર્મદા ડેમનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલ થવા અને ઇન્દિરા સાગર ડેમ ના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે.આજે નર્મદા ડેમમાં 17,020 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળસપાટી માં પણ વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે નર્મદાની મુખ્ય કેનાલમાં ખેડૂતોને સિંચાઈ રોજનું 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે .ખેડૂતો આ પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ નર્મદા ડેમમાં 2931 mcm (મિલિયન ક્યુબિક મીટર ) લાઈવ પાણી નો જથ્થો હોવાથી નર્મદા ડેમ 1 વર્ષ સુધી સમગ્ર ગુજરાતને પાણી પૂરું પાડવા માટે સક્ષમ છે