નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદના મામલામાં સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, ભાજપ દ્વારા વેપારીઓને બજાર ચાલું રાખવાનું કહેવાતા એક સમયે ઘર્ષણના એંધાણ સર્જાયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા પ્રજા માટે સરકાર વિરુદ્ધ મોરચો માંડતા હોય છે, ત્યારે આ વખતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકમાં ફોરેસ્ટ કર્મીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા બાબતની અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી હોવાની ડેડીયાપાડા પોલીસે ફરીયાદ નોંધી છે. ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ અને ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા, ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવા અને એક ખેડૂત રમેશ વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી પુછતાછ શરૂ કરી છે. નર્મદા પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પોલીસના હાથે લાગ્યા નથી, ત્યારે પકડાયેલા અન્ય આરોપીઓને પોલીસે ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યના વકીલોએ રજૂઆતો કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યો હતો. પરંતુ ધારાસભ્યની પત્ની, પીએ અને ખેડૂતને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાય હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યના સમર્થકોએ દેડીયાપાડા બંધનું એલાન આપ્યું હતું. દિવાળીનો તહેવાર હોય લોકો ખરીદી કરવા આવે અને વેપારીઓને પણ તહેવારની ઘરાકી છે. તેવામાં ડેડીયાપાડામાં રાજકીય માહોલ ગરમાયો છે. આ બંધને નિષ્ફળ કરવા જાતે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરો બજારમાં દુકાનો ખોલવા નીકળ્યા હતા, જ્યાં સજ્જડ પોલીસ બધોબસ્ત ગોઠવી દઈ દુકાનો ખોલવા લોકોને અપીલ કરી હતી.
જોકે, આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર 2024ની ચૂંટણીને લઈને ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હેરાન કરવા માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે. ચૈતર વસાવા લોકપ્રિય ધારાસભ્ય હોય અને આદિવાસી સમાજ તેમના સાથે છે. તેવામાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે રહી સરકાર આ તમામ આક્ષેપો પાછા લઈને તેઓને નિર્દોષ જાહેર કરે તેવી માંગ ઉઠી છે.