/connect-gujarat/media/post_banners/da2eda0c1c70eb44b0e5c8be6e3551e62f13fffe02a68507670ecd41a6e1541c.jpg)
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આજે કેવડિયા સજ્જડ બંધ રહ્યું હતું. આ દરમ્યાન SOUના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેના પૂતળા દહન સમયે પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે, લોકોનો આક્રોશ જોઇને પોલીસે પૂતળું સળગાવવા દીધું હતું. કેવડિયાના એકતા મોલ પાસે આદિવાસી સમાજના આગેવાનો રસ્તા પર બેસી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે આંદોલનકારીઓમાં ભારે ભાગદોડ મચી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાતો કરી આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાઇરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે. જેમાં કેવડિયા બચાવો આંદોલન સમિતિ, ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા કેવડિયા બંધના એલાનના પગલે આજે કેવડિયા સજ્જડ બંધ રહ્યું હતું. કેવડિયામાં નિલેશ દુબેના વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિલેશ દુબે હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટો પર કામ કરતા આદિવાસી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.