-
સાંસદ મનસુખ વસાવા પોલીસ પર થયા ગુસ્સે
-
પોલીસ અધિકારી પ્રજાને રંજાડતા હોવાના કર્યા આક્ષેપ
-
ભરૂચ નર્મદા પોલીસ તંત્ર સામે વ્યક્ત કરી નારાજગી
-
CM અને ગૃહમંત્રીને લખ્યો તીખો પત્ર
-
પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી માંગ
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે.જેમાં તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ અને નર્મદા જિલ્લા પોલીસ ખોટી રીતે પ્રજાને હેરાન કરે છે,તે બાબતનો ઉલ્લેખ કરીને પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.અને પત્રમાં તીખા શબ્દોમાં લખ્યું છે કે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે,જ્યારે નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવા અને તેમના પત્ની સુધા વસાવાને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હોવાનું રોષપૂર્વક જણાવ્યું છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભાવના વસાવાના ઘરમાં ઘુસીને બે મહિના પહેલા પોલીસ અધિકારી દ્વારા તોડફોડ કરી હતી અને પોલીસે તેઓ દારૂનો ધંધો કરો છો તેવા આક્ષેપ કર્યા હોવાનો ઉલ્લેખ પણ સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં કર્યો છે.
આ સમગ્ર બાબત અંગે સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં બંને જિલ્લાના પોલીસ અધિકારી પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.