રાજપીપળા શહેરમાં વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.
રાજપીપળા શહેરમાં ગીચ વસ્તી અને વધતા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગયું છે.જેમાં મુખ્ય માર્ગો કે માર્કેટમાં પગપાળા જવું પણ કઠિન બન્યું છે ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક અડચણો દુર કરવાનું અભિયાન ઉપાડ્યું હતું. રાજપીપળા શહેરમાં દુકાન બહાર ગેરકાયદેસર પાકા ઓટલા બનાવનાર કેટલાક વેપારીઓના ઓટલા જેસીબીથી તોડી પડાયા હતા અને બાકીના 250 જેટલા વેપારીઓના બે દિવસમાં ઓટલા તોડવા નોટિસ અપાઈ છે. છતાં તંત્રની નોટિસને નહિ ગણકારતા કેટલાક વેપારીઓ સામે પાલિકા પગલાં ભરવા મક્કમ બની છે.
આજે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નોટિસ પાસ કરતા રાજપીપળા બજારમાં ફફડાટ ફેલાયો છે. આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા પણ શહેરમાં સફાઈ અને ટ્રાફિકને લઈ ને સહકાર આપવા જાહેર અપીલ કરી છે ત્યારે જે વેપારીઓને ઓટલા તોડી જાળી નાખવાની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે તેવા વેપારીઓ પાલિકા પાસે વધારે મુદત માંગી રહ્યા છે.