રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એકતાનગરના બન્યા મહેમાન
પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે વિષય પર યોજાયો પરિસંવાદ
રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે કર્યું સંબોધન
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો જણાવ્યા
દેશી ગાય આધારિત ખેતી કરવા રાજ્યપાલે કરી અપીલ
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા ઓડિટોરિયમ ખાતે “પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે” વિષય પર ખેડૂત ભાઈ-બહેનો માટે પરિસંવાદ યોજાયો હતો.
નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ,પ્રકૃતિના શરણે વિષય પર ખેડૂતો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો,આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, હરિયાણાના ગુરુકુળમાં થયેલા અનુભવોના આધારે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો મેં નિર્ણય કર્યો હતો. જેના આજે મને સારા એવા પરિણામો મળ્યા છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને પ્રાકૃતિક ઉપજ વાળું અનાજ-દૂધ ખવડાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનની પણ ભેટ આપી છે. આ અભિયાનનો સમગ્ર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરવાથી અને પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપતા ખેડૂતોને કારણે આજે ખેતીમાં રસાયણોને જાકારો આપી આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા સામે લડી રહ્યું છે ત્યારે ખોરાકી ઝેરના કારણે મનુષ્યના શરીરમાં થઈ રહેલા વિવિધ રોગોનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી આપણા બાળકોને સ્વસ્થ જીવનની ભવિષ્યમાં ભેટ આપી શકીએ તેમ છે. તેથી જ ભારતના ભવિષ્યને બચાવવા માટેનો એકમાત્ર રસ્તો પણ પ્રાકૃતિક કૃષિ જ છે. દેશી ગાય આધારિત ખેતી એટલે કે ઝેર મુક્ત ખેતી- પ્રાકૃતિક ખેતી જ આપણને સ્વસ્થ અને નિરોગી જીવન માટે સહાયરૂપ સાબિત થઈ રહી છે.
આ પ્રસંગે રાજ્યપાલે કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપતા માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખી, CRP તેમજ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદના રૂપમાં સીધી પ્રશ્નોત્તરી સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃતમાં ચર્ચા સાથે માર્ગદર્શિત કર્યા હતા. તેમાં વિવિધ પ્રજાતિની ગાયોની સામે દેશી ગાયો આપણને પ્રાકૃતિક કૃષિમાં કેટલી મદદ રૂપ થઈ શકે તે અંગે વિસ્તારથી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.