/connect-gujarat/media/media_files/2025/07/10/chaitar-vasava-bail-hearing-2025-07-10-14-59-56.jpg)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ સંદર્ભે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે સરકાર નિષ્ફળ ગઈ છે એટલે મંત્રીઓ બદલવામાં આવી રહ્યા છે.તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી તારાક મહેતા સિરિયલના જેઠાલાલ સાથે સરખામણી કરી હતી,જ્યારે હર્ષ સંઘવીએ નિર્દોષ લોકો પર પોલીસનો અત્યાચાર કર્યો તેથી તેમને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ સાંસદ અને ધારાસભ્યનું પણ નથી માનતા તેમજ નકલી ઓફિસો અને નકલી અધિકારીઓની ભરમાળ ગુજરાતમાં ચાલી રહી હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા. ભાજપ સરકારના નવા મંત્રીમંડળ અંગે ચૈતર વસાવાએ શાબ્દિક પ્રહાર કરીને ટિપ્પણી કરી હતી કે કોઈ ભેંસ વધુ દૂધ નથી આપતી ત્યારે તેના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે.અને ગુજરાતની જનતા 2027માં આખી સરકાર બદલી નાખશે તેવું ચૈતર વસાવાનું માનવું છે.
વધુમાં ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને મંત્રી પદ ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર દોષારોપણ કર્યું હતું.