મળતી માહિતી અનુસાર, નવસારીના કસ્બા-ધોલાપીપલા ધોરી માર્ગ પર પુર ઝડપે આવી રહેલા કન્ટેનર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનર ઈકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા.
બનાવના પગલે પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ઈકો કારમાં સવાર લોકો ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારના સભ્યો લગ્નની ખરીદી માટે સુરત ગયા હતા. આગામી 25 તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા. જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરા તેમજ વરરાજાના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. જોકે, આગામી દિવસોમાં પરિવારમાં લગ્ન યોજાવાના હતા, એ પહેલા આ દુર્ઘટના સર્જાતા પરિવારમાં માતમ છવાયો છે.