Connect Gujarat
ગુજરાત

નવસારી : ભોજન માટેની ગ્રાન્ટ નહીં ફાળવતા જલાલપોરની આંગણવાડીઓને તાળું મારવાની આંગણવાડી બહેનોની ચીમકી...

કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે

X

આંગણવાડીઓમાં આવતા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત બાળકોને તંદુરસ્તી પ્રદાન કરવા માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લાની આંગણવાડીઓમાં શેડ્યુલ કાસ્ટના બાળકો માટે ગ્રાન્ટ ન આવતા આંગણવાડી બહેનો ચિંતામાં મુકાયા છે.

કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. તો બીજી તરફ, આંગણવાડી એ ગરીબ બાળકો માટે પોષણયુક્ત આહાર મેળવવાનું એક મહત્વનું માધ્યમ બની ગયું છે, જ્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી બાળકોને અપાતા ભોજન માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. એ જ પરિસ્થિતિ નવસારી તાલુકામાં આવેલી અન્ય આંગણવાડીઓની પણ છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ આવી ગઈ છે, પણ રાજ્ય સરકારના ભાગની ગ્રાન્ટ હજી આપવામાં આવી નથી, ત્યારે અંદાજિત રૂ. 80 લાખથી વધુની ગ્રાન્ટ અઠવાડિયામાં આપવામાં ન આવે તો આગામી તા. 16 ફેબ્રુઆરીએ આંગણવાડી બહેનોએ આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે.

જોકે, સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ આંગણવાડીમાં એક મહિનામાં રૂ. 100 બાળક દીઠ ફાળવવામાં આવે છે. જેમાં આંગણવાડીમાં આપવામાં આવતું ભોજન પણ સામેલ છે. પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે હવે આ રકમ પૂરતી નથી, ત્યારે છેલ્લા દોઢ વર્ષથી બાકી રહેલી રકમ જલ્દી ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જલાલપુર તાલુકામાં અંદાજિત એક-એક આંગણવાડીના 80થી 90 હજાર રૂપિયા સરકારમાંથી લેવાના નીકળે છે, ત્યારે 3 કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં ફક્ત ટ્રાયબલ વિભાગના બાળકો માટેની ગ્રાન્ટ ન ફાળવાતા મુશ્કેલી સર્જાય છે. નવસરી જિલ્લા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા સરકારમાં અગાઉથી અંદાજે રૂ. 1.50 કરોડ જેટલી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે, અને અઠવાડિયાની આસપાસ ગ્રાન્ટ મળી જાય તેવી આશા વ્યક્ત કરી હતી.

Next Story