Connect Gujarat
ગુજરાત

નવસારી : રૂ. 5 કરોડની સોપારી આપી મિત્રની હત્યા કરાવનાર મુખ્ય આરોપી સહિત 5 શખ્સોની ધરપકડ..!

રૂ. 5 કરોડની સોપારી લઇ મિત્રની હત્યા કરી મૃતદેહને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા.

X

રૂ. 5 કરોડની સોપારી લઇ મિત્રની હત્યા કરી મૃતદેહને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા. જે હત્યા પ્રકરણમાં સોપારી આપનાર મુખ્ય આરોપી સહિત મદદગારી કરનાર 5 આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતા કલ્પેશ પટેલ અને બીલીમોરાની તીસરી ગલીના રીઢા ગુનેગારોની ટોળકી સાથે માથાકૂટ ચાલતી રહેતી હતી. જેમાં 3 વર્ષ અગાઉ કલ્પેશના ભાઈની છાપરના ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ તેમજ તેના સાગરીતોએ ઢોર માર મારી હત્યા કરી નાખી હતી. જેમાં ભૌતિક સહિતના આરોપીઓની ધરપકડ થઇ હતી. પરંતુ કલ્પેશ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા ઘાત લગાવી બેઠો હતો. જેમાં થોડા સમય બાદ જેલમાંથી પેરોલ પર છુટેલા ભૌતિકને યમધામ પહોંચાડવા કલ્પેશે ભૌતિકના જ મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલને 5 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. સોપારી મળ્યા બાદ સિકંદરે, ગત એપ્રિલ 2023માં પાર્ટી કરવાના બહાને અમલસાડ સ્થિત તેના રૂમ પર બોલાવી, તેના સાથીદારો આદર્શ પટેલ અને મનીષ ઉર્ફે ગુરૂ પાઠક સાથે મળીને ઠંડા કલેજે તેની હત્યા નીપજાવી હતી. બાદમાં મોડી રાતે મૃતક ભૌતિક ઉર્ફે ભાવુના મૃતદેહને અમલસાડથી થોડે દૂર ભેંસલા ગામની સીમમાં રેલ્વે ટ્રેક પાસેની અવાવરૂ જગ્યામાં અન્ય સાથીદારો સતીશ પટેલ, ગીરીશ પાઠક, મીગ્નેશ પટેલ અને વિશાલ હળપતિ સાથે મળીને દફનાવી દીધો હતો. તો બીજી તરફ, ભૌતિક ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાય હતી. ભૌતિકની હત્યાના 8 મહિના બાદ ગત તા. 26 નવેમ્બર 2023ના રોજ નવસારી પોલીસે બાતમીના આધારે ભૌતિકની હત્યાનો ભેદ ઉકેલી, તેના મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા હતા. આ સાથે જ હત્યારા હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલને ગંધ આવી જતા તે પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. ગત નવેમ્બર માસમાં ભાગેલો કલ્પેશ એક-દોઢ મહિનો રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં રહ્યો હતો. બાદમાં નવસારીથી નજીકના દમણમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ચીખલી પોલસે દમણથી તેને દબોચી લઇ ગણદેવી કોર્ટમાં હાજર કરતા તેના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કલ્પેશના રિમાન્ડ દરમિયાન અન્ય 6 આરોપીઓના નામો ખુલ્યા હતા. જેમાં વડોદરાના કરજણ ખાતે રહેતા વિશાલ ડાભીયા, નવસારીના આંતલિયાના દીલ્પેશ પટેલ, ગણદેવીના વેગામની જીગ્નેષા ઉર્ફે જીજ્ઞા નાયકા, તુષાર ઉર્ફે તુલસી પારધી અને રવિકુમાર વર્માની ધરપકડ કરી તમામને કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલાયા હતા, જ્યારે પોલીસે વધુ એક આરોપી સારિક મકરાણીની ધરપકડ કરી છે. જોકે, હજી પણ ભૌતિકની હત્યામાં સામેલ આદર્શ પટેલ પોલીસને હંફાવી રહ્યો છે.

Next Story