મન હોય તો માળવે જવાય અને પ્રારબ્ધ ગંતવ્ય સ્થળે દોરી જાય એવી જ મહેનત નવસારીના કછોલી ગામની ધર્મિષ્ઠાબેને કરી છે અને મહામહેનતે ગરીબીના વાળાને હર્ષેલીને આઈટીબીપીમાં વરણી પામી પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે.
દેશના સૈન્યની એક ખુબ જ કઠિન શાખા ITBP એટલે કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં ગુજરાતમાંથી પસંદગી પામેલ 3 પૈકીની 1 એવી દેશદાઝથી ભરેલી આદિવાસી સમાજની દિકરી ધર્મિષ્ઠા નાયકા છે. દીકરીના અથાગ પ્રયત્ન થકી એમણે આજે આ મુકામ સિદ્ધ કર્યું છે. ધર્મિષ્ઠાબેન એમના માતા અને ભાઈ સાથે રહે છે એમના પિતા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પાકિસ્તાનની સરહદમાં માછીમારી કરવા જતા પકડાઈ જતા તેઓ હજી સુધી છૂટી શક્યા નથી પરંતુ મનમાં કંઈ કરવાની ઈચ્છા અને દેશપ્રેમે આ દીકરીને આજે ટોચના શિખર પર પહોંચાડી દીધી છે. ધર્મિષ્ઠાબેનના માતાએ છૂટક મજૂરી કરે છે અને મજૂરી કરીને દીકરીને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરાવ્યો ત્યારબાદ ધર્મિષ્ઠાબેનને જાતે જ પોતાની જવાબદારીઓ ઉપાડી અને ચીકુની વાડીમાં છૂટક મજૂરી કરીને સાથે સાથે એમણે મિલિટરીમાં જવાનું નક્કી કર્યું. પરંતુ પૂરતા પૈસા ન હોવાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ એના મામાના સહયોગથી એમણે દરેક પરીક્ષાઓ પૂર્ણ કરી અને સારા નંબરે પાસ કરી આજે તેઓ ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં સિલેક્ટ થયા છે
ગણદેવી તાલુકાના કછોલી ગામની આ દીકરીનુ દેશ સેવા કરવા માટેનું સપનું સાકાર થયું છે. આઇટીબીપીમાં ગુજરાતની ત્રણ પૈકી એક કછોલીની આદિવાસી યુવતીની પસંદગી થઈ છે.ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસમાં તાલીમાર્થી તરીકે ધર્મિષ્ઠાની પસંદગી થતા ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધર્મિષ્ઠાબેન પાસે તૈયારીઓ કરવા કોઈ આધુનિક સાધનો ઉપલબ્ધ નથી. તેઓ ગામમાં આવેલા મેદાનમાં અને મુખ્ય રસ્તા ઉપર પ્રેક્ટિસ કરતા હતા. આ પરીક્ષાની તૈયારી માટે તેઓ બે વર્ષ સુધી ખૂબ મહેનત કરી અને ગાંધીનગર ખાતે યોજાયેલી પરીક્ષામાં પાસ થતાં હવે એને ટ્રેનિંગ હરિયાણા ખાતે લેવા જશે.
રાષ્ટ્ર હિતની વાત બોલવામાં સારી લાગે પણ જ્યારે રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાનું આવે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે પરંતુ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી એ ઉક્તિ નવસારીના કછોલી ગામની આદિવાસી યુવતી ધર્મિષ્ઠા નાયકાને લાગુ પડે છે