-
ગણદેવી-બીલીમોરાના બ્યુટી પાર્લરમાંથી થઈ હતી ચોરી
-
બ્યુટી પાર્લરમાંથી ચોરીની ઘટના CCTVમાં થઈ હતી કેદ
-
રૂ. 1 લાખના મુદામાલ સાથે ટોળકીના 2 સભ્યોની ધરપકડ
-
મહારાષ્ટ્રથી આવી ભીડભાડવાળી જગ્યાએ કરતાં હતા ચોરી
-
તસ્કર ટોળકીના અન્ય સભ્યોની ધરપકડના ચક્રો ગતિમાન
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના બ્યુટી પાર્લરમાંથી થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રૂ. 1 લાખના મુદામાલ સાથે તસ્કર ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના બ્યુટી પાર્લરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. બીલીમોરાના બીલી નાકા વિસ્તારમાં આવેલ બ્યુટી પાર્લરમાંથી નજર ચૂકવી અજાણી મહિલાઓએ દાગીના ભરેલા બેગની ચોરી કરી હતી. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સમગ્ર મામલે નવસારી LCB પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના રહેવાસી એક મહિલા અને વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા.
એટલું જ નહીં, એક જ પરિવારના 5 સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો નવસારી LCB પોલીસે રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તસ્કર ટોળકીના અન્ય 3 ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.