/connect-gujarat/media/post_banners/8469cf4d1c2b8b90504aa36d22ebbe4cae11f7cf0f8b45ab09925b1ba5c0bd3a.jpg)
નવસારી મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ નાણાં જમા કરાવ્યા છતાં ટેબલેટથી વંચિત રહેતા ટેબલેટ વિતરણમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સહિત નવસારી વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નવસારીમાં આવેલ મહિલા કોલેજના વિદ્યાર્થીઓ નમો ટેબલેટથી આજે પણ વંચિત છે. 3 વર્ષ પહેલા કોલેજના 88 વિદ્યાર્થીઓએ ટેબલેટની કિમંત પેટે 1 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. નવસારીની દરેક કોલેજમાં લગભગ તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ મળી ગયા છે, પણ મહિલા કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા નવસારી વિદ્યાર્થી સંગઠનના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવેલ પૈસા યુનિવર્સિટીમાં જમા ન કરાવતા ટેબલેટથી વંચિત રહ્યા હોવાના આક્ષેપો વિદ્યાર્થી સંગઠન કરી રહ્યું છે. તો બીજી તરફ, કોલેજ મેનેજમેન્ટ પોતાના બચાવમાં યુનિવર્સિટી પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે, ત્યારે બન્ને સંસ્થાઓના સંકલનના અભાવના કારણે 3 વર્ષથી વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યું નથી. જેના પગલે રીઓશે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજને ગજવી મુકી હતી. વિદ્યાર્થીઓએ કોલિજ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રામધૂન બોલાવી ટેબલેટની માંગણી કરી હતી.
સમગ્ર મામલે મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પાસે ધસી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા ટેબલેટ અંગે પૂછવામાં આવતા તેમના જવાબ અચરજ પમાડનાર હતા. ટેબલેટ વિવાદને લઈને યુનિવર્સિટી અને કોલેજ તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું, ત્યારે કોલેજ મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા પૈસા વ્યાજ સહિત પાછા આપવાની વાત કરવામાં આવી છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે, ભણશે ગુજરાતના દાવાઓ કરતી રાજ્ય સરકારની યોજનાનો લાભ વિદ્યાર્થીઓને નથી મળતો, ત્યારે હવે કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને પૈસા પરત ક્યારે આપવામાં આવશે તે સવાલ ઊભો થયો છે.
/connect-gujarat/media/media_files/2025/07/05/rbi-2025-07-05-17-35-13.jpg)