તાપી રિવર લિંક પ્રોજેકટના વિરોધ દ્વારા આદીવાસી સમાજે રાજ્ય સરકારના શાસનને ડગમગાવી દીધો છે, જેને લઈને સફાળી થયેલી રાજ્ય સરકારે તાપી રિવર લિંક પ્રોજેકટ મુખ્યમંત્રીની આગેવાનીમાં રદ્દ કર્યો છે. પરંતુ જ્યાં સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી તંત્રને ફરી આવેદન પત્ર આપ્યું હતું.
"ગાંધી લડે થે ગોરો સે, હમ લડેગે ચોરો સે"ના નારા સાથે નવસારી જિલ્લાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છેલ્લા 3 મહિનાથી વિવિધ 10 મુદ્દાઓને લઈને તાપી રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કરતા આવ્યા છે. જેમાં વિશાળ આદિવાસી સમાજનું સમર્થન મળ્યું છે જેને લઈને રાજ્ય સરકારની ઊંઘ હરામ થતા અંતે સુરતમાં પ્રેસ કોંફરન્સ કરી સીએમ ભુપેદ્ર પટેલે તાપી રિવર લિંક પ્રોજેકટ રદ્દ કર્યો છે. પરંતુ આદિવાસી સમાજની એક જ માંગ સાથે આંદોલન ચાલુ રાખ્યું છે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર શ્વેતપત્ર ન આપે ત્યાં સુધી આદિવાસી સમાજ આંદોલન ચાલુ રાખશે. જોકે, શ્વેતપત્ર આવ્યા બાદ કોઈપણ સરકાર પ્રોજેકટ શરૂ કરી શકતી નથી. અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી પંથકના ભારતમાલા પ્રોજેકટને રદ્દ કર્યો હતો, પણ હાલની સરકાર ફરી ભારતમાલાને લઈને એક્ટિવ થતા સરકાર પરથી આદિવાસી સમાજનો ભરોસો તૂટ્યો છે, એવા આક્ષેપ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આંદોલન યથાવત રાખી આદિવાસીઓના હક માટે લડત ચાલુ રાખી છે.
જોકે, શ્વેતપત્રમાં જે લખાણ હોય છે એ લખાણને "ભૂતો ના ભવિષ્ય"માં ન બદલાઈ એવો કાયમી સિક્કો લાગી જાય છે. જે રાજ્ય સરકાર અને કેન્દ્ર શ્વેતપત્રની મંજૂરી આપવા તૈયાર નથી અને આદિવાસી સમાજમાં શ્વેતપત્રની માગણી હવે પ્રબળ બનતી રહી છે, ત્યારે આગામી વિધાનસભાની તૈયારીને લઈને ભાજપે આદિવાસીને શાંત કરવા તાપી રિવર લિંકને રદ્દ કર્યો છે, પણ આદિવાસી માત્રને માત્ર શ્વેતપત્રની રાહ જોઇને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, જ્યાં સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી વહીવટી તંત્રને ફરી આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે જ સરકારે જળ, જંગલ અને જમીન લેવા વિકાસનો ઉપયોગ કર્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.