સુરત : નવા કૃષિ કાયદાને રદ્દ કરવા ખેડૂત સમાજની માંગ

સુરતમાં કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે ભારે સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રપતિને ઉદેશીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, આગામી વર્ષ 2024 સુધી આ આંદોલનને યથાવત રાખવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા 7 માસથી દિલ્લી બોર્ડર ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ખેડૂત સમાજના આગેવાનોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ભેગા થઈ ખેડૂત કૃષિ કાયદા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આ કાળો કાયદો રદ્દ કરવા માંગ કરી હતી.
સરકાર દ્વારા જે ત્રણ કૃષિ કાયદા પસાર કરવામાં આવ્યા છે એને લઈને દિલ્હી બોર્ડર પર આખા ભારતના 450થી વધુ ખેડૂત સંગઠનો આંદોલન કરી રહ્યા છે. જોકે, આંદોલનને 7 મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. એક બાજુ સરકાર એમ કહી રહી છે કે, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. પરંતુ આ ત્રણ કાયદો પરત કરીશું નહીં. જો વાતચીત કરવા તૈયાર હોય અને કાયદો પરત નહીં કરે તો વાતચીત કરવાનો શું મતલબ તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યુ હતું. પરંતુ જો આગામી સમયમાં ખેડૂતોની માંગ પુરી નહીં થાય તો ખેડૂત કિસાન મોરચાના અધ્યક્ષની રણનીતિ મુજબ વિવિધ જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.