Connect Gujarat
ગુજરાત

કચ્છીમાંડુંઓને 'નયે વરેજી લખ લખ વધાઇયું',કચ્છમાં અષાઢી બીજે દિવાળી જેવો માહોલ

આજે આશાથી બીજના દિવસે કચ્છ જિલ્લાનું નવું વર્ષ હોય છે ત્યારે કચ્છમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે

X

આજે આશાથી બીજના દિવસે કચ્છ જિલ્લાનું નવું વર્ષ હોય છે ત્યારે કચ્છમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે અને કચ્છી લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

સરહદી કચ્છ જિલ્લામાં અષાઢી બીજનું અનોખું મહત્વ છે. અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ,વર્ષો જૂની પરંપરા મુજબ લોકો અષાઢી બીજના દિવસે એક મેકને મળે છે અને શુભકામના પાઠવે છે જે રીતે દિવાળીનો તહેવાર હોય છે. તે રીતે અષાઢી બીજનો તહેવાર કચ્છીઓ ઉમંગભેર ઉજવે છે. વર્ષો પૂર્વે રાજાશાહીના સમયમાં અષાઢી બીજના દિવસે લોકો મહારાવને મળવા આવતા હતા. આજે ભલે રાજાશાહી યુગ નથી પરંતુ પરંપરા આજે પણ જળવાઈ રહેલી જોવા મળે છે. અષાઢી બીજના દિવસે કચ્છીઓ ઘરને શણગારે છે,તોરણ લગાડે છે,ઘરે મીઠાઈઓ બનાવે છે ,વહેલી સવારે નવા કપડાં પહેરે છે અને લોકોના ઘરે જઈને મીઠું મોઢું કરાવે છે તેમજ પગે પણ લાગે છે.

અંજાર ખાતે આવેલા સચિદાનંદ મંદિરે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ભાવિકો ઉમટ્યાં હતા. મહંત ત્રિકમ દાસજી મહારાજ પાસે ભાવિકોએ આશીર્વાદ મેળવ્યા હતા તેમજ મીઠું મોઢું એકબીજાને કરાવીને કચ્છી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અષાઢી બીજને લઈને મુંબઈ વાસીઓ પણ કચ્છમાં આવ્યા છે મુંબઈના વિવિધ વિસ્તારો તેમજ ચેન્નઇમાં વસતા કચ્છના લોકો માદરે વતન ખાસ આવ્યા છે. આ કચ્છી નવા વર્ષને લઈને ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના મુખ્ય મથક અંજાર આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત સહિતના વિસ્તારોમાં અષાઢી બીજના દિવસે એક અનોખો માહોલ જોવા મળે છે. કચ્છી ભાષામાં કચ્છી લોકો નયે વરેજી લખ લખ વધાઈયું આપે છે. આ શબ્દ તમામ જગ્યાએ સાંભળવા મળે છે.

Next Story