છોટાઉદેપુર : કવાંટમાં વૃદ્ધ માતાની હત્યા કરી કળિયુગી પુત્ર ફરાર, પેન્શનના રૂપિયાની લાલચે જન્મદાત્રીનો હત્યારો બન્યો દીકરો

વૃધ્ધાનો સગો દીકરો વૃદ્ધાવસ્થાના સમયે તેમની લાકડીનો સહારો બનવાને બદલે તેનો હત્યારો બનશે તેવું 80 વર્ષની ઉંમરે પહોંચેલી માતાએ વિચાર્યું પણ ન હતું

New Update
  • કવાંટમાં કળિયુગી પુત્ર બન્યો હત્યારો

  • 80 વર્ષીય વૃદ્ધ માતાની હત્યા કરતો પુત્ર

  • લાકડીના સપાટા મારીને હત્યાને આપ્યો અંજામ 

  • પેન્શનના પૈસા માટે પુત્રએ માતાની કરી હત્યા

  • પોલીસે કળિયુગ કપાતરની કરી ધરપકડ 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામની એક વૃદ્ધ મહિલાને તેના જ સગા પુત્રએ લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી,ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામમાં પુત્રને જન્મ આપી મહામુસીબતે પાનકીબેન ભીલે જે દીકરાને મોટો કર્યો તે જ વૃદ્ધાવસ્થાના સમયે તેમની લાકડીનો સહારો બનવાને બદલે તેનો હત્યારો બનશે તેવું 80 વર્ષની ઉંમરે પહોંચેલી માતાએ વિચાર્યું પણ ન હતું.પરંતુ એવું જ કંઈક બન્યું છે.80 વર્ષીય માતા પાનકીબેન ભીલ અશક્ત પતિ અને ચાર દિકરા સાથે રહેતી હતી. સમય જતા કોઈ કારણસર આ પરિવારના ત્રણ પુત્રો કડીપાણી ગામે અલગ રહેવા લાગ્યા હતા.

પાનકીબેન ભીલ તેનો પતિ અને સિવાલીયા ભીલ નામનો પુત્ર તેની સાથે રહેતો હતો. રોજગારી માટે ફક્ત ખેતી જ પર નિર્ભર હતા.પરંતુ આ જમીનના ખાસ પાકતું ન હોય આર્થિક સ્થિતિ ખરાબ હતી.પાનકીબેન ભીલનો પુત્ર સિવાલીયા ભીલ નાનાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ બીજું કામ પણ કરતો ન હતો.

જોકે મા-બાપને મળતા વૃદ્ધ પેન્શનના પૈસા જ માતા પાનકીબેન માટે મોતનું કારણ બન્યા હતા. જ્યારે પણ મા-બાપને વૃદ્ધ પેન્શનના પૈસા મળતા કે તરત તે લઈ લેતો અને પૈસા ઉડાવી દેતો હતો.જેના કારણે ઘરમાં ખાવા પીવા માટે તકલીફ ઉભી થતી હતી.કાયમ માટે આ સ્થિતિ રહેતા પાનકીબેન તેના દીકરા સિવાલિયાને પૈસા આપવાનું બંધ કરી દેતા જેના કારણે વારંવાર માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં સિવાલિયો તેના ઘરે આવ્યો અને માતા પાસે વૃદ્ધ પેન્શનના પૈસા માંગવા લાગ્યો હતો.પરંતુ પાનકીબેન તેને પૈસા આપવા તૈયાર ન હતા. બસ પૈસા આપવાનો ઇન્કાર કરતા જ સિવાલિયો સેતાન બન્યો અને તેને લાકડી વડે માતાના હાથ પગ અને શરીરના ભાગો પર ફટકા મારવા લાગ્યો હતો. સિવાલિયો શું કરી રહ્યો છે તેનું તેણે ભાન ન રહ્યું હતું. અંતે પાનકીબેન ઢળી પડી હતી.અને સિવાલિયો ભીલ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટના અંગેની જાણ પાનકીબેનના અન્ય ત્રણ પુત્રોને જાણ થતા જ તેઓ માતા પિતાના ઘરે પહોંચ્યા હતા. જોકે ખૂબ મોડું થઈ ગયું હતું અને તેમની માતાનું મોત નીપજ્યું હતું.રાયલા ભીલ સહિત તેમના અન્ય દીકરાઓએ પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ હત્યા કરી નાસી છૂટેલા સિવાલિયો ભીલને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા,અને અંતે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories