ગોધરા એલસીબીના જુગારધામ પર દરોડા
પોલીસે સાત જુગારીઓની કરી ધરપકડ
AAPના જિલ્લા યુવા પ્રમુખ પણ ઝડપાયા
AAP નેતાએ જુગારની બદી વિરુદ્ધ આપ્યું હતું આવેદનપત્ર
જોકે પોતે જ જુગાર રમતા ઝડપાયા
પંચમહાલ જિલ્લાના ગોધરા એલસીબીની ટીમે વૈજનાથ સોસાયટીમાં રેડ કરીને સાત જુગારીઓની ધરપકડ કરી હતી,જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારનો પણ સમાવેશ થાય છે.પોલીસે 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એલસીબી પોલીસે વૈજનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર છાપો મારવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સાત જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં જીગર શાહ, ધર્મેન્દ્ર ગોસાઈ, અશ્વિન ગોસ્વામી, આશિષ કામદાર, વિજય પટેલ, મહેશ પટેલ અને વિક્રમ વણઝારાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 98,700, દાવ પરના રૂપિયા 11,300 અને રૂપિયા 30,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પકડાયેલા આરોપીઓમાં આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે આશિષ કામદારે તાજેતરમાં જ જિલ્લા સેવાસદન કચેરી અને પોલીસ વડા કચેરીમાં ઓનલાઇન જુગાર અને ગેમ્બલિંગ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું.તમામ આરોપીઓ વિરુદ્ધ ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.