બાકરોલ ગામે કોંગ્રેસ નેતાની જાહેરમાં હત્યાથી ચકચાર
બાકરોલ તળાવ નજીક મોર્નિંગ વોક દરમ્યાન થઈ હત્યા
અજાણ્યા શખ્સો સાથે ઇકબાલ મલેકનો થયો હતો ઝઘડો
પેટમાં છરી વાગતા ઇકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત
હત્યા બાદ હુમલાખોર ફરાર થયા, પોલીસે તપાસ આરંભી
આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની આજરોજ વહેલી સવારે બાકરોલમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
આણંદ તાલુકાના બાકરોલ ગામે આજરોજ વહેલી સવારે આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યાની ઘટના સામે આવી છે. ઇકબાલ મલેક નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોક-વે પર કેટલાક અજાણ્યા શખ્સો સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતક ઇકબાલ મલેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે સ્થળ તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.