/connect-gujarat/media/post_banners/03092d57abebd71ea69aced4a43570f7058770d14dd633f2fb3155cd7a7f23ec.jpg)
પંચમહાલ જિલ્લાના શહેરામાં કરોડો રૂપિયાના સરકારી અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર 8 મહિના બાદ પોલીસના હાથે ઝડપાતા અનાજ માફિયાઓની સિન્ડિકેટમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો અનાજ માફિયાઓના સહારે બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી હતી, ત્યારે બાતમીના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરાતા અંદાઝે 3.67 કરોડની કિંમતના ઘઉંની 13,127 બોરી અને 1,298 ચોખાની બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે શહેરા પોલીસ મથકે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત, ગોડાઉનમાં તપાસણી કરનાર સી.એ. ટીમના પ્રતિનિધી વિજય તેવર એન્ડ કંપનીના વિશાલ શાહ અને ડોર સ્ટેપ ડિલીવરીના કોન્ટ્રાકટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ નુરૂલઅમીન શેખ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ તંત્રની ધરપકડથી બચવા માટે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત છેલ્લા 8 મહિનાથી આગોતરા જામીન માટે રઝળપાટ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, કનૈયાલાલ રોત પોતાના વતન નજીક મેઘરજ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમીના આધારે ગોધરા ડી.વાય.એસ.પી. સી.સી.ખટાણાએ અંતે તેને ઝડપી પાડ્યો હતો. જોકે, કરોડોના અનાજ કૌભાંડનો પર્દાફાશ થતાં અનાજ માફિયાઓની સિન્ડિકેટમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.