Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પાવાગઢની ખીણમાં પથ્થરો-વૃક્ષો વચ્ચે અટવાયેલો આણંદના યુવકનો મૃતદેહ મળી આવ્યો, પરિવારમાં ઘેરો શોક...

પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું.

X

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે રહેતા નિઝામ ઓડ ગતરોજ પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરના પરિસરમાં આવેલી સદનશાની દરગાહે માથું ટેકવવા માટે આવ્યા હતા. હનીફ ઓડ માતા-પિતા અને પરિવાર સાથે દરગાહે માથું ટેકવીને પગથિયાં મારફતે નીચે ઉતરી રહ્યા હતા. પરિવાર રાજી ખુશી આનંદ સાથે પરત ફરી રહ્યું હતું, જે આનંદ અને ખુશી અચાનક જ એક ઘટના બનતા માતમમાં ફેરવાઈ ગઈ હતી. ખીણ નજીક ડુંગરની કિનારી પાસે ઉભેલા નિઝામ ઓડનો પગ અચાનક જ લપસી જતાં તે ઊંડી ખીણમાં પડ્યો હતો. માતા-પિતા, પત્ની બાળકો સામે જ હનીફ ખીણમાં પડતા પરિવારે બૂમાબૂમ કરી હતી. પરંતુ ઊંડી ખીણમાં હનીફનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ગતરોજ સાંજે 5:30 વાગ્યા પછી બનેલી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ખીણના નજીકના વિસ્તારમાં તપાસ આરંભી હતી. પરંતુ વાતાવરણ ધુમ્મસવાળું હોવાથી સાંજે અંધારું થઈ જતાં આજે સવારે હાલોલ ફાયર ફાઈટરોને સાથે રાખી પોલીસે 500 ફૂટ ઊંડી ખીણમાં પરિવારે બતાવેલી જગ્યાએ હનીફની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન 150 ફૂટ જેટલી ઊંડાઈએ પથ્થરો અને વૃક્ષોમાં અટવાયેલી હાલતમાં હનીફ ઓડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને ફાયર ફાઈટરની ટીમ, સ્થાનિકો અને પોલીસે દોરડાઓ અને રસ્સાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી પાવાગઢ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, ગુજરાન ચલાવતા મોભીનું મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Next Story