રાજસ્થાનના જયપુરના દૂધની નજીકના ગગરડું ગામના રહેવાસી રાજેન્દ્રકુમાર સત્ય વચન ગત રાત્રે રાજસ્થાનથી ટ્રેલરમાં ગ્રેડ ટાઈપની કપચી ભરીને કચ્છ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રેલર લઈને રાધનપુરના સાતલપુર હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન મોટી પીપળી ગામ પાસે અચાનક આકસ્મિક ઘટના બનતા તેમના ટ્રેલરમાં આગ ભભૂકી ઊઠી હતી. ગણતરીની મિનિટમાં જ સમગ્ર ટ્રેલર સળગી ઊઠ્યું હતું. ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર ટ્રેલરની અંદર જ ફસાઈ જતા આગમાં ભળથું થઈ ગયો હતો. જેથી તેમનું કરુણ મોત થયું છે.
તેમના મૃતદેહને હાલમાં રાધનપુર ખાતે પીએમ અર્થે લાવી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેલરમાં કેવી રીતે આગ લાગી? તે બાબતે વધુ વિગતો હજુ જાણી શકાય નથી. રાધનપુરના પી આઈ એ જણાવ્યું હતું કે, ટ્રેલર ચાલી રહ્યુ હતું. ત્યારે બ્રેક મારતા પાછળથી કોઈ વાહને ટક્કર મારતા ટ્રેલર ચાલકે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવી ડિવાઈડર સાથે અથડાવી દીધું હોવાનું અનુમાન છે. જે અકસ્માત બાદ આગ લાગતા ડ્રાઇવર અંદર ફસાઈ ગયો હોવાથી જીવતો ભૂંજાયો હતો. તેમજ જણાવ્યું કે, લાશનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. હવે ડ્રાઈવરના પરિવારજનો આવશે ત્યારે નિવેદન લઈ ફરિયાદ નોંધવામાં આવશે.