પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા બેદરકારીને કારણે નગરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે કચરાના ઢગલાના કારણે એકઠા થતાં આખલાઓના આતંકથી એક યુવાન અને વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થતાં નગરપાલિકાના શાસકો સામે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાટણના રાધનપુર શહેરમાં આવેલ મીરા દરવાજા વિસ્તારમાં જાહેર માર્ગ પર કચરાના મોટા ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. કચરાના ઢગલા નગરપાલિકા દ્વારા સમયસર ઉપાડવામાં આવતા ન હોવાને કારણે અહીં રખડતા પશુઓનો અડ્ડો બની ગયો છે. કચરાના ઢગલાના કારણે એકઠા થતાં ગાય અને આખલાનો આતંક આ વિસ્તારના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહયો છે. ઘાંચી વાસ ખાતે રહેતો ૧૮ વર્ષનો યુવાન ઘાંચી અબ્દુલ રજાક હુસેન સોમવારની મોડી સાંજે ઈફતારી બાદ નમાજ અદા કરી પોતાના ઘર તરફ જતો હતો તેવા સમયે પાછળથી આખલાએ અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે દશદિવસ અગાઉ આખલાના હુમલામાં ઘાંચી ઇબ્રાહીમભાઇ અલ્લારખ્ખાનું પણ મોત નીપજ્યું હતું. નગરપાલિકાની બેદરકારી કારણે રાધનપુર નગરના લોકોને ઘરની બહાર નીકળવું જોખમી પુરવાર થઈ રહ્યું છે નગરપાલિકા દ્વારા તાત્કાલિક જાહેર માર્ગો પર એકઠા થયેલા કચરાના ઢગલા ઉપાડી રખડતાં પશુઓને બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો લોકો દ્વારા પાલિકા વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે