/connect-gujarat/media/post_banners/be3618162bf5a00d86893bd30db1f715b0c330064b7126c04b9dd4d4ad458e50.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આજે ભાવનગરના ગારિયાધારમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે ભાવનગરના ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગારિયાધાર ખાતે હાજર રહ્યા હતા. આ વેળાએ આપના નેતાઓની હાજરીમાં જ અલ્પેશ કથીરિયા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે જ ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.