ગીરના સાવજને મળ્યું નવું સરનામું
બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા માટે સજ્જ
સિંહોના વસવાટના વિસ્તરણ માટે લેવાયો નિર્ણય
192 ચો.કિ.માં ફેલાયેલું છે આ જંગલ
જ્ઞાન અને મનોરંજનના સંગમ સમાન છે જંગલ
ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે.વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો 'બરડા ડુંગર' સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે.
એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઓળખાતા 'બરડા વન્યજીવ અભયારણ્ય'માં જંગલ સફારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર-સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગુંજી ઉઠશે. અહીંની સમૃદ્ધ જૈવવિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદભૂત લ્હાવો છે.
પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ તૈનાત કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધિય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે. અહીંની શિસ્તબદ્ધ વ્યવસ્થા પ્રવાસીઓને પ્રકૃતિ સાથે સીધો સંવાદ કરાવે છે. જ્ઞાન અને મનોરંજનના સંગમ સમાન આ સફારી પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ બની રહેશે.
વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત સરકારનું આ સકારાત્મક પગલું આગામી સમયમાં બરડાને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ બનાવશે. ગીર બાદ હવે બરડાનો આ નવો અધ્યાય પર્યાવરણ પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે.