સુરેન્દ્રનગર ખાતે વરસાદના કારણે કિસાન મહાપંચાયત રદ્દ
રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાય
AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ રહ્યા ઉપસ્થિત
અરવિંદ કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહારો
PM મોદીએ ખેડૂતોને પાયમાલ કર્યા : અરવિંદ કેજરીવાલ
રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ પત્રકારો સાથે વાતચીત કરી ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયત સભાને વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી, જ્યાં તેઓએ ભાજપ અને કોંગ્રેસ સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતું કે, અમેરિકાથી આવતા કપાસ પર લગાવવામાં આવેલું 11% ટેરિફ રદ્દ કરાતા ભારતના ખેડૂતો પાયમાલ બની આત્મહત્યા કરી લેશે એવી ભીતિ સેવાઇ રહી છે, જ્યારે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, તેઓને ખેડૂતો અને હીરાના કારીગરો સાથે કોઈ લેવા દેવા નથી, એટલા માટે જ તે ચૂપ બેઠું છે. કોંગ્રેસને તો BJPની નોકરી અને ચાપલૂસી કરવામાં વધુ રસ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ, પંજાબની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિને કારણે ત્યાં ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે. 1900 ગામડાઓના 3.50 લાખ લોકોને અસર પહોંચી છે. પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મેદાનમાં ઉતરીને કામ કરી રહ્યા છે. ધીમે ધીમે પાણી ઉતરશે એટલે રી-કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ થઈ જશે.