ચશ્મા પહેરતા જ કોઈપણ વ્યક્તિને નિર્વસ્ત્ર જોઈ શકાય અને જમીન નીચે 10 ફૂટ ઊંડે ખજાનો જોઈ શકાય તેમ કહીને સાબરકાંઠાના 2 લોકોને છેતરાયા હોવાની ઇડર અને હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે પોલીસે 5 શખ્સો પાસેથી રોકડ રકમ 1.50 લાખ અને ચશ્મા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં 2 લોકો લોભ લાલચમાં આવી જતાં છેતરાયા હોવાની ઇડર અને હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કોઈ વ્યક્તિને નિર્વસ્ત્ર જોઈ શકાય અને જમીન નીચે 10 ફૂટ ઊંડે જોઈ શકાય તેમ જણાવી ચશ્માની લાલચમાં રૂ. 6.70 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારની સહયોગનગર સોસાયટીમાં રહેતા કાળુ તૈલી મિત્ર દશરથસિંહ રાઠોડને મળવા જતા નરેન્દ્રસિંહ પરમાર અને ધર્મેન્દ્રસિંહ પરમાર નામના શખ્સો સાથે ઓળખાણ થઈ હતી. આ બન્નેએ જમીનના નીચે ગુપ્ત ધન કે ખજાનો હોય તે જોઈ શકાય તેવા ચશ્મા વિષે માહિતી આપી હતી. એટલું જ નહીં આ ચશ્મામાં ઇરેડિયમ નામની મેટલ વપરાય છે, જેનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધનમાં થતો હોવાનું પણ જણાવ્યુ હતું. સાથે જ આ ચશ્મા લેવા હોય તો 50 લાખ રૂપિયા ખર્ચવા પડશે તેમ કહી તમામ છુટા પડ્યા હતા. પરંતુ કાળુ તૈલીને ચશ્માનો એટલો મોહ લાગ્યો કે, રૂ. 3.50 લાખ ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા,
જ્યારે ચશ્માની ડિલિવરી ન મળતા પૈસાની પરત ઉઘરાણી કરવા શરૂ કર્યું અને પૈસા પરત ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. હિંમતનગર અને ઇડર પોલીસે 15 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. સમગ્ર રેકેટ ચલાવનાર અને એપી સેન્ટર બની ગયેલ ઈડરના ચાંદની PVC ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બડોલીના શખ્સ તથા સાગરીતો પર વોચ ગોઠવી પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે 5 શખ્સો પાસેથી રોકડ રકમ 1.50 લાખ અને બનાવટી ચશ્મા અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.