સાબરકાંઠા જીલ્લામાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓના બજેટ પર અસર જોવા મળી રહી છે
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ઓગસ્ટ માસનો પ્રારંભ થઈ જવા છતાં શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. દાળ શાકમાં વપરાતા ટામેટા મરચાં ધાણા આદુ જેવા મસાલા પાકના ભાવ પણ આસમાનને આંબી રહ્યા હોવાથી ઘરના બજેટને સરભર કરવા બટાકા અને ડુંગળીનો વપરાશ વધી ગયો છે.લીલા શાકભાજીના ભાવ પણ રૂપિયા 70 થી 100 ને પાર કરી ગયા છે જેને પગલે ₹ 15 પ્રતિ કિલોના ભાવે મળતાં બટાકા અને 17 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળીનો વપરાશ વધી ગયો છે. બટાકાનો વપરાશ વધવા પાછળ અધિક શ્રાવણ માસ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યા મુજબ હજુ ત્રણેક સપ્તાહ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની કોઈ ગુંજાઈશ નથી