Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!

પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નવાપુરા ગામ ખાતે વેસ્ટ કચરાના નિકાલ માટે જગ્યા ફાળવવામાં આવી છે, ત્યારે જે તે વખતે જગ્યાની ફાળવણી કરવામાં આવતા રહેણાંક વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગામનો વેસ્ટ કચરો સહિત ઘન કચરો અહી નાખવામાં આવે છે. જેની સાથે જ મૃત પશુઓને પણ અહી જ નાખવામાં આવે છે. જેના કારણે અહીના વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાતા લોકોમાં રોગચાળો પણ ફેલાવવાની દહેશત વર્તાય રહી છે. તો બીજી તરફ, ડમ્પિગ સાઇટની બાજુમાં જ ખેતીની જમીનો પણ આવેલી છે, ત્યારે ખેતી પાકોમાં પણ નુકશાન જવાની ભીતિ સેવાય રહી છે.

જોકે, રહેણાંક અને ખેતી વિસ્તારની બાજુમાં જ કચરામાંથી વેસ્ટ અલગ કરવા માટેનો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જે પ્લાન્ટમાંથી ધૂળ ઉડીને પાસે આવેલ તમાકુના ખેતરમાં જતા તમાકુના પત્તાઓ ઉપર ધૂળના થળ જામ્યા છે. અને કેટલાય ખેડૂતોને ખેતીમાં નુકશાન ગયુ છે, ત્યારે અનેકવારની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઇ યોગ્ય નિકાલ ન આવતા આ વિસ્તારના રહીશોની હાલત કફોડી થવા પામી છે. ખેતીમાં નુકશાનની સાથે જ રહીશોમાં શરદી, ઉધરસ, શ્વાસની સાથે સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વહેલી તકે સ્થાનિકોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story